એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ભારત કરશે તેની જાણ પાકિસ્તાન હોકી ફેડરેશનને ઓછામાં ઓછા સાત મહિના અગાઉ કરી દેવાઈ હતી, એમ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ (એફઆઈએચ)ના પ્રમુખ તૈયબ ઈકરામે જણાવ્યું છે. પાકિસ્તાનની મુલાકાતે આવેલા ઈકરામે કહ્યું કે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે પાકિસ્તાન હોકી ફેડરેશન (પીએચએફ) સાથે ચર્ચા થઈ હતી અને એશિયન હોકી મહાસંઘ પણ તેમાં સામેલ હતું.
પુરુષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 27 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી જલંધર અને મોહાલીમાં યોજાઈ હતી. ભારતે ફાઇનલમાં જાપાનને 4-1થી હરાવીને ખિતાબ જીત્યો હતો. સુરક્ષાની ચિંતાઓ દર્શાવીને પાકિસ્તાને ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો; તેની જગ્યાએ બાંગ્લાદેશ રમ્યું હતું.
ભારત-પાકિસ્તાન મુકાબલાની ખોટ
ઈકરામે કહ્યું કે એફઆઈએફને આશા હતી કે પાકિસ્તાન ભારતની ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જોકે, ભારત કે પાકિસ્તાનનાં હોકી ફેડરેશનો એકબીજાના દેશમાં રમવા અંગે શું નિર્ણય લે, તેમાં હસ્તક્ષેપ કરવાની સ્થિતિમાં વૈશ્વિક સંસ્થા નથી. તેમણે પાકિસ્તાનના નિર્ણયને ભારત સામે રમવા અંગેની સરકારની નીતિ સાથે જોડાયેલો ગણાવ્યો.
ઈકરામના મતે, ભારત અને પાકિસ્તાન નિયમિત રીતે એકબીજા સામે ન રમે ત્યારે વૈશ્વિક હોકીને નુકસાન થાય છે. તેમણે કહ્યું કે બંને દેશોની મેચો હોકીમાં અન્ય મુકાબલાઓ કરતાં વધુ દર્શકપ્રિય છે. ક્રિકેટની જેમ, મોટા આંતરરાષ્ટ્રીય હોકી સ્પર્ધાઓમાં ભારત-પાકિસ્તાનની ટક્કર ટેલિવિઝન અને ડિજિટલ માધ્યમો પર વધુ દર્શકો ખેંચે છે અને પ્રસારકો તથા ફેડરેશનો માટે વધુ સારા સ્પોન્સરશિપ કરારોની તકો ઊભી કરે છે.
તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે સંબંધો અનુકૂળ રહ્યા ત્યારે યોજાયેલી દ્વિપક્ષીય શ્રેણીઓથી બંને દેશોની હોકી અને ખેલાડીઓના વિકાસને લાભ થયો છે. પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો થવાની આશા પણ તેમણે વ્યક્ત કરી.
ભારતનું આયોજન અને પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટ
ઈકરામે ભારતને આંતરરાષ્ટ્રીય હોકીનું મોટું કેન્દ્ર ગણાવ્યું. તેમના કહેવા મુજબ, પ્રસારણ અને સ્પોન્સરશિપ કરારો ઉપરાંત વિશ્વસ્તરીય સુવિધાઓને કારણે ભારત અનેક આંતરરાષ્ટ્રીય અને એશિયાઈ સ્પર્ધાઓનું આયોજન કરે છે.
એફઆઈએફે આવતા વર્ષ માટે નેશન્સ કપનું યજમાનપદ પાકિસ્તાનને આપ્યું છે. ઈકરામે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓથી લોકોમાં રમત પ્રત્યે રસ વધે છે અને પાકિસ્તાનમાં નેશન્સ કપનું આયોજન ત્યાં હોકીને ફરી ઓળખ અપાવવાની શરૂઆત બની શકે છે.