સેનેગલના રાષ્ટ્રપતિ બાસિરુ દિયોમાય ફાયેના ઉદ્ઘાટન સાથે ડાકાર 2026 યુથ ઓલિમ્પિક્સનો પ્રારંભ થયો. આફ્રિકામાં યોજાતો આ પહેલો ઓલિમ્પિક રમતોત્સવ છે. 31 ઑક્ટોબરથી 13 નવેમ્બર સુધી ચાલનારી સ્પર્ધામાં 205 પ્રતિનિધિમંડળના કુલ 2,655 યુવા ખેલાડીઓ 25 રમતોમાં ભાગ લેશે. સ્પર્ધાઓ ડાકાર, સેલી અને ડાયામ્નિયાડિયો શહેરોમાં યોજાશે.
ભારત તરફથી 17 ખેલાડીઓની ટુકડી મોકલવામાં આવી છે. તેમાં 11 મહિલા અને છ પુરુષ ખેલાડી છે, જે 11 રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી ધિનિધી દેસિંગુ અને બેડમિન્ટન ખેલાડી દેવ રૂપારેલિયા ભારતના ધ્વજવાહક બન્યા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં યુવા ખેલાડીઓનું સ્વાગત
ઉદ્ઘાટન સમારોહમાં સેનેગલની ‘તેરાંગા’—આતિથ્યની પરંપરા—કેન્દ્રસ્થાને રહી. કાર્યક્રમમાં આફ્રિકાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સાંકળતી રજૂઆત કરવામાં આવી. અલ્કેબુલાન, કેબ અને સિતોએ નામના ત્રણ પ્રતીકાત્મક પાત્રો દ્વારા સાંસ્કૃતિક વારસો પેઢી દર પેઢી આગળ વધે છે અને યુવાનો ખંડના ભવિષ્યને ઘડવામાં શું ભૂમિકા ભજવી શકે છે, તે દર્શાવાયું.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનાં પ્રમુખ કર્સ્ટી કોવેન્ટ્રીએ આ પ્રસંગને આફ્રિકા અને ઓલિમ્પિક ચળવળ માટે ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે રમતગમતથી તેમના જીવનમાં અનેક તકોનાં દ્વાર ખુલ્યાં અને આત્મવિશ્વાસ સાથે મોટાં સપનાં જોવાની પ્રેરણા મળી. યુવા ખેલાડીઓને પણ પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખવા અને મોટા લક્ષ્યો રાખવા તેમણે પ્રોત્સાહિત કર્યા.
દેશોના ધ્વજવાહકોની પરેડમાં 205 પ્રતિનિધિમંડળ સામેલ થયાં. પરેડની શરૂઆત ગ્રીસથી થઈ; ત્યાર બાદ શરણાર્થી ઓલિમ્પિક ટીમ અને અંતે યજમાન સેનેગલ આવ્યું. મોટાભાગનાં પ્રતિનિધિમંડળમાં એક મહિલા અને એક પુરુષ ધ્વજવાહક સાથે ધ્વજ લઈ ચાલ્યાં.
યુથ ઓલિમ્પિક્સમાં ભારતનો અગાઉનો રેકોર્ડ
અગાઉની ત્રણ યુથ ઓલિમ્પિક્સમાં ભારતના નામે ગણાતી સ્પર્ધાઓમાં દેશે કુલ 23 ચંદ્રક જીત્યા છે: ત્રણ સુવર્ણ, 16 રજત અને ચાર કાંસ્ય. મિશ્ર-એનઓસી સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓએ વધુ ચાર ચંદ્રક મેળવ્યા હતા. આ સ્પર્ધાઓમાં જુદી જુદી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓના ખેલાડીઓ એકસાથે રમે છે, તેથી આ ચાર ચંદ્રક ભારતની સત્તાવાર ચંદ્રક ગણતરીમાં સામેલ થતા નથી.
ભારતનું અત્યાર સુધીનું સૌથી સફળ યુથ ઓલિમ્પિક અભિયાન બ્યુનોસ આયર્સ 2018માં રહ્યું હતું. ત્યાં ભારતીય ખેલાડીઓએ ત્રણ સુવર્ણ, નવ રજત અને એક કાંસ્ય સહિત 13 ચંદ્રક જીત્યા હતા. ડાકારમાં હવે 17 સભ્યોની ટુકડી 11 રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.